ચરાડવા ગામ પાસેના મહાકાળી આશ્રમમાંથી દાનપેટીની તસ્કરી કરનાર પકડાયો

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ચરાડવા ગામ પાસેના મહાકાળી આશ્રમ મંદિરમાંથી થોડા દિવસો પહેલાં દાન માટે મૂકવામાં આવેલી દાનપેટીની તસ્કરી કરવામાં આવી હતી. આથી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મહાકાળી આશ્રમના મંદિરમાં મુકાયેલી દાનપેટીની તસ્કરી કરનારા ઈસમને પકડી પાડ્યો હતો. ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાંથી દાન પેટીની તસ્કરી થઈ હતી. આ અંગે એસપી ઓડેદરાએ એલસીબીને તસ્કરને પકડી પાડવા સૂચના કરી હતી. આથી એલસીબીના ઈનચાર્જ પીઆઈ એન. બી. ડાભીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો તસ્કરને ઝડપવા પ્રયત્નશીલ હતા. દરમિયાન સ્ટાફના નિરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમારને મળેલી હકીકત આધારે ચરાડવા કે. ટી. મિલ પાસેથી પસાર થઈ રહેલા શંકાસ્પદ ઈસમને ઝડપીને તેની સઘન પૂછપરછ કરતાં પોતે વઢવાણ તાલુકાના રામપરા ગામના નવા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય ભરત પ્રભુભાઈ કવીયા હોવાનું જણાવ્યું હતું.વધુમાં પોતે અગાઉ પણ 8-10 વખત ચરાડવાના મહાકાળી આશ્રમ ખાતેથી તસ્કરી કરી હોવાનું અને વધુ પૈસાની જરૂર હોવાથી રાતના અરસામાં આશ્રમમાં ઘૂસીને આશ્રમમાં ફીટ કરેલી દાનપેટી તોડી રોકડ રકમની તસ્કરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પકડાયેલા આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.