માધાપરમાં ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજરના ઘરના તાળા તુટયા, ત્રણ લાખની તસ્કરી

માધાપરના નવાવાસમાં પંકજનગરમાં રહેતો યુવક પોતાના પરીવાર સમેત પિતાજીના ઘરે હબાય રોકાવા ગયો હતો,બીજા દિવસે સવારના અરસામાં હબાયથી પરત આવતા ઘરનું તાળુ તુટેલી હાલતમાં દેખાયું હતું. ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના 1.66 લાખના દાગીના અને 1.30 લાખ રૂપિયા રોકડની તસ્કરી થઇ હોવાનું ધ્યાને આવતા માધાપર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. વાઘેશ્વરી ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજર અને માધાપર નવાવાસમાં રહેતા વિઠ્ઠલભાઇ માવજીભાઇ કેરાસીયાએ માધાપર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી કે, પોતાના પિતાના ઘરે હબાય પરીવાર સમેત રોકાવા ગયા હતા,બીજા દિવસે સવારના અરસામાં ઘરે આવીને જોતા દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં દેખાયું હતું. ઘરની અંદર તપાસ કરતા રૂમની અંદર કબાટ અને પલંગનું સામાન વેરવિખેર દેખાયું હતું. સોનાનું મંગળસુત્ર કિંમત 90 હજાર, સોનાની બે વિંટી કિંમત 30 હજાર, સોનાની માથાની ટિલડી કિંમત 30 હજાર, સોનાનો પારો અને નાકનો હિરો કિંમત 3 હજાર, ચાંદીની ઝાંઝરી કિંમત 6 હજાર અને ચાંદીના પાટા કિંમત 7 હજાર મળી કુલ 1,66,000 રૂપિયાના દાગીના અને 1,30,000 રૂપિયા રોકડ તસ્કરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. માધાપર પોલીસે અજાણ્યા શખ્સો સામે તસ્કરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.