જામનગરની ભાગોળે ચેલા પાસે કારની ઠોકરે રોડ ઓળંગતા પ્રૌઢનું મોત

જામનગરની ભાગોળે ચેલા ગામના પાટીયા પાસે પુરપાટ દોડતી કારની ટક્કરે રસ્તો ઓળંગતા જામનગરના પ્રૌઢનુ મોત થયું હતું. પોલીસે અકસ્માત સર્જી નાશી જનારા કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના રામેશ્વરનગર પાસે વિનાયર્ક પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશભાઇ બાબુલાલ પરમાર (ઉ.વ. 50) નામના પ્રૌઢ સવારના અરસામાં ચેલા ગામના પાટીયા પાસે સોમનાથ સોસાયટી સામે રોડ ક્રોસ કરી રહયા હતા. જે વેળાએ પુરપાટ દોડતી કારે તેઓને ટક્કરે ચડાવ્યા હતા. જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજા થવાથી રાજેશભાઇનુ મોત થયું હતુ. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચ બીના પીએસઆઇ સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડયો હતો. અકસ્માતના આ બનાવની મૃતકના પરીજન મનોજભાઇ બાબુલાલ પરમારની ફરીયાદ પરથી પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જી કાર મુકી ચાલક નાશી છુટતા પોલીસે તેની શોધખોળ સાથે વધુ તજવીજ હાથ ધરી છે.