ડીસાની આકાશવિલા સોસાયટીમાંથી તસ્કરો દાગીના સહિત રૂ.66 હજારની મત્તાની તસ્કરી

ડીસા શહેરની આકાશવિલા સોસાયટીમાં પરીવાર હોસ્પિટલ ગયોને તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ડીસા – પાલનપુર હાઇવે ઉપર આવેલ આકાશવિલા સોસાયટીમાં રહેતા વિપુલકુમાર દશરથભાઈ સોલંકી ચડીસર ખાતે પ્રાઇવેટ નોકરી કરે છે. જો કે ત્રણ દિવસ અગાઉ ડીસાના શાંતિનગર ખાતે રહેતા તેમના નાના ભાઈનો ફોન આવેલો કે મારી પત્નીને ડિલિવરી હોઈ હોસ્પિટલ જવું છે. જેથી વિપુલભાઈ સોલંકી મકાન બંધ કરી પરિવાર સાથે શાંતિનગર ખાતે તેમના ભાઈને ત્યાં ગયા હતાં. ત્યારબાદ તેઓ આકાશવિલા સોસાયટી ખાતે તેમના મકાન ઉપર સામાન લેવા પહોંચ્યા તો મકાનનો દરવાજો ખુલ્લો હતો અને ઘરનો સમાન વેરવિખેર અને તિજોરી પણ ખુલી પડી હતી. જેથી તપાસ કરતા તિજોરીમાં પડેલી સોનાની ચેન, સોનાની બુટી, સોનાની વીંટી તેમજ ચાંદીના અન્ય દાગીના પણ ગાયબ હતા. આમ સોના-ચાંદીના દાગીના મળી રૂ.66 હજારની તસ્કરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે વિપુલકુમાર સોલંકીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશને તસ્કરીની ફરીયાદ લખાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.