મહેસાણાના નાગલપુરમાં સરદારપાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી રૂ.70 હજારની મત્તાની તસ્કરી

મહેસાણાના નાગલપુર રોડ પર સ્થિત સરદારપાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર સંબંધીને ત્યાં અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી સેફલોકરમાંથી દાગીના, ટેબલેટ સહિત રૂ.70 હજારની મત્તાની તસ્કરી કરી ગયા હતા. જે અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા શહેરમાં પશાભાઇ પેટ્રોલપંપ પાછળ આવેલી 28 બી સરદારપાર્ક સોસાયટીમાં રહેતા વિપુલકુમાર મોતીલાલ મણિયાર (જૈન) પરિવાર સાથે સવારના અરસામાં અમદાવાદ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. બીજા દિવસે સવારના અરસામાં તેમના પાડોશીએ ફોન કરી જણાવ્યું કે તમારા મકાનનું તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે. જેથી તેઓ અમદાવાદથી પરત ઘરે આવી તપાસ કરતાં કબાટમાં ફીટ કરેલું સેફલોકર તોડી સોનાનો એક તોલાનો પેન્ડલ સાથેનો દોરો રૂ. 40 હજાર, 500 ગ્રામના ચાંદીના બે કડલા રૂ. 25 હજાર, ટેબલેટ રૂ. 5 હજાર મળી કુલ રૂ. 70 હજારની મત્તાની તસ્કરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તેમણે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.