બાવળામાંથી ચોરીના બાઇક સાથે 2 બાઇક ચોર ઝડપાયા

અમદાવાદ જિલ્લાનાં કોઠ પોલીસ સ્ટેશનમાં બાઇક તસ્કરીની લખાવેલી ફરીયાદનાં આરોપીઓ તસ્કરીનાં બાઇક સાથે બાવળામાં આવવાનાં છે તેવી બાતમીનાં આધારે એલ.સી.બી.ની ટીમે તસ્કરીનાં બાઇક સાથે 2 બાઇક ચોરને પકડી પાડીને 10,000 રૂપીયાનું બાઈક અને 10,000 રૂપીયાનાં 2 મોબાઇલ મળી કુલ 20,000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને કોઠ પોલીસને સોંપવામાં આવ્યા હતાં. અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં વાહન તસ્કરીનાં બનાવો વધી રહ્યા છે. એલ.સી.બી.પી.આઇ. એચ.બી.ગોહિલે તેમની ટીમને અને પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતાં. જેથી એ.એસ.આઇ. વિજયસિંહ અને દિલીપસિંહને બાતમી મળી હતી કે કોઠ પોલીસ મથકમાં હિરો સ્પ્લેન્ડર બાઇકની તસ્કરીની ફરીયાદ લખાવી હતી. તે બાઇક લઇને બાઇક ચોર બાવળામાં આવેલા ઝવેરી બજારમાં આવવાનો છે. જે બાતમીનાં આધારે એલ.સી.બી.પી.આઈ. એચ.બી.ગોહિલ, પી.એસ.આઇ. જી.એમ.પાવરા, આર.જી.ચૌહાણ, એસ.એસ નાયર, જયદીપસિંહ પઢિયાર વગેરે બાતમી મુજબની જગ્યાએ ગોઠવાઇ ગયા હતાં. બાતમી મુજબનાં તસ્કરીનું બાઈક ઝવેરી બજારનાં ગેઇટ પાસેથી નીકળતાં તસ્કરીનાં બાઇક સાથે 2 બાઇક ચોર નવઘણભાઇ વીનુભાઇ પગી,(રહેવાસી, ઢેઢાળ ગામ) અને જયેશભાઇ ઘનશ્યામભાઇ પગી, રહેવાસી, ઢેઢાળ ગામ, તા. બાવળાને ઝડપી પાડીને 10,000 રૂપીયાનું તસ્કરીનું બાઇક અને તેમની પાસેથી મળી આવેલા 10,000 રૂપીયાનાં 2 મોબાઇલ મળી કુલ 20,000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.