માધાપર ગામની સીમમાં ગોકુલધામ સોસાયટીમાં તસ્કરોએ ચાર મકાનને નિશાન બનાવ્યા

ભુજ શહેરની ભાગોળે તાલુકાના માધાપર ગામની હદમાં આવતી વસાહત ગોકુલધામ-1 સોસાયટી ખાતે ગતરાત્રિના અરસા દરમ્યાન સામુહિક આક્રમણ કરનારા તસ્કરોએ ચાર મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં લશ્કરી જવાન મનોજકુમાર લક્ષ્મણાસિંહ બાલોઠીયાના ઘરમાંથી 18 હજારની રોકડની તસ્કરી કરી હતી. જયારે અન્ય ત્રણ ઘરમાં તસ્કરોનો વ્યાયામ પ્રયાસ બની રહયો હતો. આ ઘટનામાં ચાર મકાનના તાળા તોડાયા હતા. જેમાંથી લશ્કરી જવાન શ્રી બાલોઠીયાના ઘરમાંથી રૂ.18 હજારની રોકડની તાળા તોડી કબાટમાંથી તસ્કરી થઇ હતી. બનાવના સમયે ઘરમાલિક તેમની ફરજ ઉપર ગયા હતા. આ ઘરની આસપાસમાં આવેલા અન્ય ત્રણ ઘરમાંથી પણ આ જ ઢબે તસ્કરીનો પ્રયાસ કરાયો હતો. પણ કાંઇ ગયું ન હતું. માધાપર પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.