જામનગરમાં મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો 1 ઈસમ પકડાયો

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી મોબાઈલમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા એક ઈસમને પોલીસે ઝડપી પાડી રોકડ તથા બે મોબાઈલ સહિત રૂ.5,810 ની મતા જપ્ત કરી છે. આ ઇસમે કપાત લેતા બૂકીનું નામ આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જામનગરના નવાગામ ઘેડમાં આવેલા કાંતિભાઈના વાડા પાસે એક ઈસમ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડયો હતો. આ વેળાએ ત્યાંથી નસીર દોસમામદ જોખીયા નામનો ઈસમ પોતાના મોબાઈલમાં એક એપ્લીકેશનના માધ્યમથી સટ્ટો રમતો મળી આવ્યો હતો. આ ઈસમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગબેસ ટૂર્નામેન્ટની ગઈકાલે રમાયેલી મેચ પર રનફેર સહિતનો સટ્ટો રમતો હતો. પોલીસે તેના બે મોબાઈલ તથા રોકડ મળી રૂ.5,810 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઇસમે પોતાની પાસેથી કપાત લેતાં ઈસમના મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે. પોલીસે તે નંબર પરથી આરોપીની અટક માટે ચક્રો ગતિમાન કર્યા છે.