કનૈયાબેમાં પૈસા મુદ્દે યુવાન પર પાંચ ઇસમોનો છરી અને ધારિયા વડે જીવલેણ હુમલો

ભુજના સરપટ નાકા બહાર શેખ ફળિયામાં રહેતા યુવક પર કનૈયાબે ગામ નજીક મોડી રાત્રિના અરસામાં કારમાં આવેલા પાંચ ઇસમોએ રૂપિયાની લેતી દેતી મુદે છરી અને ધારિયાથી ઉપરા છપરી ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં પધ્ધર પોલીસ સ્ટેશનમાં ઇસમોઓ વિરૂધ હત્યાના પ્રયાસની કલમ તડે ફરિયાદ લખાવાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ ભુજના સંજોગનગરમાં રહેતા મામદશા કાસમશા શેખડાડા (ઉ.વ.40)ની ફરિયાદને ટાંકી પોલીસે જણાવ્યું છે. કે, હુમલાનો બનાવ રાત્રીના અરસામાં કનૈયાબે ગામના બસ સ્ટેશન પાસે રોડ પર બન્યો હતો. ફરિયાદી અને તેમના ભાણેજ રફિક કાસમશા શેખડાડા બન્ને જણાઓ રાત્રીના અરસામાં ગાંધીધામથી પરત ફરીને ઘાણેટી ગામે સબંધીની વાડીએ જમવા ગયા હતા. બાદમાં રાત્રિના અરસામાં પોતાની કારથી પરત આવી રહ્યા હતા. ત્યારે રોડ પર કારમાં પાંચ ઈસમ આવ્યા હતા. અને ફરિયાદીની કારને ટકકર મારી બાદમાં કારમાંથી કનૈયાબે ગામે રહેતા મોહમદ હુશેન ઉર્ફે પપમ ઇશબશા શેખ નામના ઇસમે ફરિયાદીના ભાણેજના પેટના ભાગે છરીના બેથી ત્રણ ઘા માર્યા હતા. જ્યારે ઇશબશા હાજીજમનશા શેખએ માથાના ભાગે ધારિયાના બેથી ત્રણ ઘા માર્યા હતા. અલ્તાફ ઇશબશા શેખએ પગના ભાગે પાઇપથી ફટકા માર્યા હતા. જ્યારે મામદહુશેન રહીમશા શેખ અને ઇમરાન મોદીશા શેખએ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પધ્ધર પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.