સપડા પાસે 2 બાઇકની ટક્કરમાં આધેડનું મૃત્યુ

જામનગર-કાલાવડ હાઇવે સપડા પાસે બે મોટરસાયકલની ટકકરમાં આઘેડને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજતાં પોલીસે અન્ય મોટરસાયકલ ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. જામનગર-કાલાવડ હાઇવે સપડા પાટીયાથી મોડપર તરફ જવાના રસ્તે કાલાવડના સોઇઠા ગામે રહેતા જયસુખભાઇ દેવાયતભાઇ વીરડા (ઉ.વ.55) નામના આઘેડ પોતાનું મોટરસાયકલ જીજે 10 એઆર 7397 લઇને હાપા ગામે જતાં હતાં. ત્યારે પુરઝડપે આવતા મોટરસાયકલ જીજે 3 બીએચ 3733 સાથે જોરદાર ટકકર થતાં જયસુખભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જેને હોસ્પિટલ ખસેડાતા તેનું મોત થતાં તેના પુત્ર મહેશભાઇએ મોટરસાયકલ ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.