અંજારમાં ગોદામમાંથી રૂ.1.29 લાખના માલની તસ્કરી, 3 ઈસમ ઝડપાયા

અંજારમાં મંડપ ડેકોરેશનના ધંધાર્થીના ગોડાઉનમાંથી રૂ.1.29 લાખનો ડેકોરેશનનો સામાન તસ્કરી થઇ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાયા બાદ સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં આ તસ્કરીને અંજામ આપનાર ત્રણ ઈસમને ઝડપી પાડી તસ્કરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. અંજારના રામકૃષ્ણ મહાવીરનગર-1 માં રહેતા મંડપ ડેકોરેશનના ધંધાર્થી કિશનભાઇ ભગવાનભાઇ ખોડિયારે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તસ્કરીની ઘટના ગઇકાલે સવારના અરસા દરમિયાન બની હતી. તેઓ પોતાનો લાઇટ ડેકોરેશનનો સામાન તેમના કાકા પ્રવિણભાઇ ખોડીયારના ગોડાઉનમાં રાખે છે. આજે બપોરના અરસામાં તેઓ ગોડાઉન પર ગયા ત્યારે ગોડાઉનનું તાળું લાગેલું ન હતું. તેઓ ગોડાઉનની અંદર જતાં ખ્યાલ આવ્યો કે લાઇટ ડેકોરેશનનો માલ ઓછો જણાતાં બાજુમાં રહેતા દાદી બચુબેન ખોડિયારને પુછતાં તેમણે ગઇકાલે છકડો લઇને ત્રણેક જણા ગોડાઉનમાંથી સામાન કાઢતા હોવાનું કહી તેમને એમ કે તેમના માણસો સામાન ભરતા હશે તેમ માની લીધું હતું. તરત અંદર જઇને ગણતરી કરી તો તસ્કરો કુલ રૂ.1.29 લાખની અલગ અલગ ડેકોરેશનની લાઇટોની તસ્કરી કરી ગયા હોવાનો ખ્યાલ આવતાં તેમણે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે ચક્રો ગતિમાન કરતાં બાતમી મળી હતી કે ગાંધીધામના ભારતનગર રેલ્વે ઝૂંપડામાં આ તસ્કરીનો માલ રખાયો છે.