ભચાઉમાં 3 ઠગબાજ પેમેન્ટ કર્યા વગર 94 હજારના માલની ખરીદી કરી ગયા

ભચાઉની મેઇન બજારમાં ત્રણ માસ્કધારી શખ્સોએ રૂ.94 હજારની કિંમતનો સામાન ખરીદ્યા બાદ દુકાનદારને પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવી પેમેન્ટ કર્યા વગર ફરાર થઇ ગયા હતા. ભચાઉના પુજારાવાસમાં રહેતા મયુરભાઇ હસમુખભાઇ ચંદેની ફરિયાદ અનુસાર તા.8/1ના મેઇન બજારમા઼ આવેલી તેમની પુજારા ટેલિકોમ પ્રા.લિ.માં કારમાં ત્રણ માસ્કધારી શખ્સો દુકાને આવ્યા હતા અને ટીવી, એપલ મોબાઈલ ફોનના વિવિધ કેબલ, મોબાઈલ ફોન અને ચાર્જર વગેરે મળી કુલ રૂ.94,138 ની ખરીદી કરી નાણાં ઓનલાઈન પે કરશે તેમ કહેતાં દુકાનના કર્મચારીએ તેમને પેમેન્ટ માટેનો બારકોડ આપ્યો હતો. પરંતુ, મોબાઈલનો કેમેરા ખરાબ હોવાનું બહાનું કરી એક ઇસમે પોતે ગૂગલ પે થી પેમેન્ટ કરશે તેમ જણાવ્યું હતું. દુકાનના કર્મચારીએ ગૂગલ પે માટે દુકાનદારના મોબાઈલ નંબર આપ્યાં હતા. કર્મચારીએ પેમેન્ટ આવ્યું કે નહીં તે ખાતરી કરવા શેઠને ફોન કર્યો હતો. શેઠે ફોન ચેક કરતાં ટ્રાન્ઝેક્શન આઈડી લખેલો એક મેસેજ મળ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ, ખરીદીનું બિલ બનાવી આપવા માટે વેપારી દુકાને આવવા નીકળ્યો. તે સમયે આ ત્રિપુટી દુકાનના કર્મચારીને ગિફ્ટ આપીને દસ મિનિટમાં પાછાં આવીએ છીએ તેમ કહીને કારમાં ફરાર થઇ ગયા હતા.પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.