મુસાફરોને રીક્ષામાં બેસાડી મોબાઈલ તફડાવતા પેટલાદના બે શખ્સો પકડાયા

આણંદ, તારાપુર ચોકડી નજીક રીક્ષા ઊભી રાખી બે જણાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલની તસ્કરી કરી હતી. તારાપુર પોલીસે બાતમીદારોની મદદથી બંને ઈસમને પકડી પાડી તેમની પાસેથી તાસકરીના 30 મોબાઈલ તથા રીક્ષા મળી કુલ રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ તારાપુર નાની ચોકડીથી મોટી ચોકડી તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતાં બે ઇસમો હાલમાં સક્રિય થયા છે અને તેઓ હાલમાં તારાપુર મોટી ચોકડી તરફ આવવાના છે. આ બાતમીના આધારે તારાપુર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, વર્ણનવાળી રીક્ષા આવી પહોંચતા જ પોલીસે રીક્ષાને અટકાવી હતી. રીક્ષામાં તપાસ કરતાં બંને ઇસમો સવાર હતા. જેમના નામ-ઠામ પૂછતાં શાહરૂખમીયાં આબાદમીયાં મલેક અને સાજીદઅલી હસનઅલી સૈયદ (બંને રહે. પેટલાદ) હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં તેમની પાસેથી તસ્કરીના મોબાઈલ મળી આવ્યા હતા. દરમિયાન, સઘન પૂછપરછ કરતાં મોબાઈલ તેમના ઘરે હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં તેમના ઘરમાંથી કુલ 30 જેટલાં તસ્કરીના મોબાઈલ મળી આવ્યા હતા. જે પેસેન્જરના સ્વાંગમાં તેઓ મુસાફરોના ખિસ્સામાંથી તફડાવી લેતા હતા. પોલીસે સમગ્ર બનાવમાં રીક્ષા તથા તસ્કરીના મોબાઈલ મળી કુલ રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.