મુન્દ્રાના બંદર રોડ પર આવેલ મોલને નિશાન બનાવી તસ્કરોએ દસ હજારનું ખાતર પાડ્યું

મુન્દ્રામાં એક રાતમાં ત્રણ બાઇકતસ્કરીની ઘટનાએ શહેરમાં વાહન ચોર ટોળકી સક્રિય હોવાની ચાડી ખાધા બાદ ગત રાત્રિના અરસામાં જુના બંદર રોડ પર આવેલ મોલને નિશાન બનાવી તસ્કરોએ દસ હજાર રૂપિયાનું ખાતર પાડી નજીક આવેલ અન્ય એક દુકાનમાં પણ તસ્કરીનો નિષ્ફ્ળ પ્રયાસ કરતાં ઘરફોડ તસ્કરી કરતી ગેંગ પણ કાર્યરત હોવાને સમર્થન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના અરસામાં બનેલા બનાવમાં જુના બંદર રોડ પર વૈભવ પાર્ક પાસે આવેલ આશાપુરા મોલ નામક કરીયાણાની દુકાનનું શટર ઉંચુ કરી કાંચનું પાર્ટીશન તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ગલ્લામાં રહેલ અંદાજિત દસ હજાર રૂપિયા રોકડ તેમજ સુકામેવાનો જથ્થો ઉપાડી ફરાર થઇ ગયા હતા. ઉપરાંત રોકડની શોધમાં દુકાનનો માલ ફેંદી નાખ્યો હતો. એટલાથી સંતોષ ન થતાં અજાણ્યા ઉઠાવગીરોએ નજીક આવેલી અન્ય કરિયાણાની દુકાનના તાળાં ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અગમ્ય કારણોસર તેમને સફળતા ન મળતાં માસ્ટર કી નો ગુચ્છો સ્થળ પર મૂકી નાસી છૂટ્યા હતા. બનાવને પગલે વહેલી સવારના અરસામાં જાણીતા રાહદારીઓએ શટર ખુલ્લું જોઈ મોલ સંચાલકને જાણ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સંજોગવશાત મોલની અંદર લાગેલા સીસી ટીવી કેમેરા ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી આરોપીઓની ભાળ અર્થે પોલીસ માટે વ્યાયામ બેવડાયો છે.બનાવને પગલે સ્થાનિક પોલીસે સ્થળ પર જાંચ કરી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે.