જૂનાગઢમાં પરિવાર ઘરને તાળા મારી માનતા પૂરી કરવા ગયોને 65 હજારની તસ્કરી

જૂનાગઢ વંથલીમાં રહેતો એક પરિવાર ઘરને તાળા મારી માનતા પુરી કરવા ગયો હતો. એ સમયે અજાણ્યા ઇસમો તસ્કરીનાં ઈરાદે ત્રાટક્યા હતા. અને ઘરમાંથી રોકડ રકમ તેમજ સોનાનાં દાગીનાની તાસકરી કરી નાસી છૂટ્યા હતા. અને પોલીસ ફરિયાદ લખાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર વંથલીમાં રહેતા બસીરભાઈ અહેમદભાઈ બુખારીએ લખાવેલી ફરિયાદ મુજબ બસીરભાઈ ઘર બંધ કરી રાણાવાવ ખાતે બેનને ત્યાં માનતા પૂર્ણ કરવા ગયા હોય એ અરસામાં તસ્કરોએ ઘરનાં પાછળનાં દરવાજા પરની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને કબાટનો લોક તોડી નાંખી રોકડ રૂ.10 હજાર અને સોનાનાં એરીંગ મળી કુલ 65 હજારનાં મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા. પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો એ સમયે આ બનાવની જાણ થતા વંથલી પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.