મોરબી-વાંકાનેર હાઇવે પર કારચાલક બાઈકને અડફેટે લઈ પલાયન, એકનું મૃત્યુ

મોરબી વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઈક લઈને જતા યુવકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જી પલાયન થઇ ગયો હતો. બનાવમાં યુવકનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યાં કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. મોરબી વાંકાનેર હાઇવે ઉપર વહેલી સવારના અરસામાં પાનેલી ગામે રહેતા કરણભાઇ શિવાભાઈ ખાણધર (ઉ.વ.36) નામનો યુવાન પોતાનું GJ-03-CF-2235 નંબર બાઈક લઈ રફાળેશ્વર ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલ કટથી પાનેલી તરફ જવા માટે આવતો હતો. ત્યારે રોડ ઉપર ચડતા જ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પાનેલી ગામે નવા પ્લોટમાં રહેતા મૃતકના પિતા શીવાભાઇ ડાહ્યાભાઇ ખાણધરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી તેની શોધખોળ હાથ ધરી હતી.