પુત્રના ઘરે રહેવા ગયેલા સિનિયર સિટિઝનના મકાનમાં તસ્કરી

વડોદરા, આજવારોડ ભાનુજ્યોતિ સોસાયટીના મકાનની લોખંડની જાળીનું તાળું તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને કુલ રૂપિયા ૧.૭૫ ની મત્તા  તસ્કરી કરી લઈ  ગઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજવારોડની ભાનુજ્યોતિ સોસાયટીમાં રહેતા અબ્બાસી નૂરભાઇ વિલાયતવાલા નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૪ થી તારીખે તેઓ મકાનને તાળું મારીને અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પુત્ર અલીઅઝગર વિલાયતવાલાના ઘરે ગયા હતા. ગઇકાલે સવારના અરસામાં પાડોશીએ જાણ  કરી હતી કે,તમારા મકાનના કંપાઉન્ડ વોલનો ગેટ ખુલ્લો છે. મેં મારા ભાણેજને મકાન પર જોવા મોકલતા તેણે જઇને તસ્કરી થઇ હોવાનો વીડિયો મને મોકલ્યો હતો. ત્યારબાદ મેં અમદાવાદથી આવીને  ઘરમાં તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાના લોખંડની જાળીનો નકુચો તૂટેલો હતો. અને બેડરૂમમાં સામાન વેરવિખેર હાલતમાં હતો.ચોર ટોળકી ઘરમાંથી રોકડા ૭૫ હજાર અને સોનાના દાગીના મળીને કુલ રૂપિયા ૧.૭૫ લાખની મત્તાની તસ્કરી થઈ હતી. જે અંગે અબ્બાસીભાઇએ બાપોદ  પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે. આ અંગે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.