મોરબીના પીપળી રોડ પર હીટ એન્ડ રનની ધટનામાં યુવાનનું મૃત્યુ

મોરબીના પીપળી રોડ પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે અને અનેક માનવ જીદગીનો ભોગ લેવાય છે. ત્યારે પીપળી ગામના બસ સ્ટેન્ડ નજીક આઈસર ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ટ્રક ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ લખાવાઈ છે. મળતી માહિતી અનુસાર મોરબીના શોભેસ્વર રોડ પર મધુસ્મૃતિ સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ આલાભાઇ માડમ (ઉ.૨૬) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી છે કે અજાણ્યા આઈસરના ચાલકે પોતાનું વાહન જેતપર તરફથી આવતી વેળાએ પુર ઝડપે ચલાવી પીપળી ગામના બસ સ્ટેન્ડ સામે મોટર સાઈકલ લઈને જતા ફરિયાદી સુખદેવભાઈના માસીયાઈ ભાઈ ભરતભાઈને મોટર સાઈકલ જીજે ૩ બી જે ૯૦૭૨ સાથે હડફેટે લેતા તેને ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તો આઈસર ચાલક અકસ્માત બાદ ટ્રક લઇ નાસી છૂટ્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે જાણ પણ ન કરી હોવાની ફરિયાદ લખાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.