ગોડાદરામાં પરિવાર વતન જતાં બંધ મકાનમાંથી 2 લાખની ચોરી

સુરત, ગોડાદરામાં પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા વતન ગયો હતો. દરમિયાન કોઇક સમયે તસ્કરો ઘરમાંથી રૂ. 30 હજાર રોકડા અને સોનાના ઘરેણાં મળીને કુલ 1.97 લાખ રૂપિયાની મતા ચોરી કરી નાસી ગયા હતા. મૂળ રાજસ્થાનના અને હાલમાં ગોડાદરામાં આદર્શકુંજ સોસાયટીમાં રહેતા માનસિંગ કુંભાવત વતનમાં તેમના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી 3 ફેબ્રુઆરીએ વતન ગયા હતા. 5મીએ તેમના સંબંધીએ તેમને જાણ કરી કહ્યું હતું કે, તમારા ઘરના દરવાજાને મારેલું તાળું તૂટેલું છે. માનસિંગ લગ્ન પ્રસંગ પુરો કરીને પરત સુરત આવ્યા હતા. તેમના ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો. અજાણ્યાઓ દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘુસી સોનાની ચેન, વીંટી, કાનની રિંગ, ચાંદીની પાયલ સહિતના ઘરેણાં (કિંમત 1.67 લાખ રૂપિયા ) અને રોકડા 30 હજાર મળી કુલ 1.97 લાખ રૂપિયાની મતા ચોરી કરી ગયા હતા. માનસિંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.