નાની ચીરઈમાં ઉભેલી ગાડીની તલાશી લેતા તેમાંથી 1.10 લાખનો દારૂ મળી આવ્યો


ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામે પોલીસે ઉભેલી ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ.1.10 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. જેથી સ્વીફ્ટ કાર મૂકીને નાસી છૂટેલા ચાલક સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભચાઉ પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે નાની ચીરઈ પાસે આવતા બાતમી મળી કે, સફેદ કલરની સ્વિફટ ગાડી નં. જીજે 16 બીકે 4901 વાળી ગાડી નાની ચીરઈ પાસે મીઠાના અગરો બાજુથી અંગ્રેજી દારૂ ભરીને આવે છે. જેથી સ્થળ પર જતા બાતમીવાળી ગાડી ઊભેલી હાલતમાં મળી આવી હતી. આ ગાડીની તલાસી લેતા તેમાં લોક ખુલ્લુ હતું. સ્વીફ્ટ ગાડીમાંથી વહીસ્કીની કુલ 24 બોટલો, ઓફિસર ચોઈસ વહીસ્કી, કાઉન્ટી કલબ વહીસ્કી અને વાઈટ વોડકાના કુલ 329 ક્વાર્ટરીયા અને કિંગફિશર બીયરના 600 ટીન મળી કુલ રૂ.1,10,180 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે ત્રણ લાખની જપ્ત કરવામાં આવી છે. કોઈ અજાણ્યા આરોપીએ દારૂની હેરાફેરી કરી ગાડી મુકી જઈ નાસી જતા ભચાઉ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.