દહેગામના કડાદરા ગામે ખેતરમાંથી 54 બોટલ વિદેશી શરાબ ઝડપાયો

દહેગામના કડાદરા ગામે વહેલાલ જતા માર્ગ પર આવેલા એક ખેતરમાંથી બહિયલ આઉટ પોસ્ટ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસને રૂપિયા 21,600ની કિંમતની 54 નંગ અંગ્રેજી શરાબની બોટલો મળી આવતા શરાબ રાખનાર ઈસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દહેગામ તાલુકાના કડાદરા ગામેં વહેલાલ જતા માર્ગ પર આવેલા ખેતરમાં ધવલસિંહ નાગજીસિંહ બિહોલાએ અંગ્રેજી શરાબની બોટલો સંતાડેલી હોવાની બાતમી બહિયલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના ખોડાભાઈ કરણાભાઈને મળી હતી.બાતમીના આધારે પીએસઆઈ આર.વી. મોરી સ્ટાફનાં લલ્લુભાઈ, ખોડાજી, ભરતભાઈ તેમજ મુકેશકુમાર સહિતની ટીમે ધવલસિંહ બિહોલાનાં ખેતરમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસને રૂપિયા 21,600ની કિંમતની 54 નંગ અંગ્રેજી શરાબની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. દરમિયાન પોલીસે દારૂની બોટલો કબજે લઈ ખેતરમાં હાજર નહીં મળી આવેલા ધવલસિંહ બિહોલા વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.