આણંદ શહેરમાં આવેલી સોસાયટીમાં એક ઘરને નિશાન બનાવી તસ્કરો 1.80 લાખની મત્તાની તસ્કરી કરી


આણંદ શહેરના 100 ફૂટ રોડ પર આવેલી સોસાયટીમાં પરિવાર ઉપરના માળે સુતા રહ્યા હતા. દરમિયાન, રાત્રિના અરસામાં તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના બેઠક રૂમની બારીની ગ્રીલના બે સળીયા તોડીને વાળી નાંખી તેમાં પ્રવેશ કરી ઘરમાંથી રૂપિયા 1.80 લાખની મત્તાની તસ્કરી કરી હતી. આણંદ શહેરની યોગી તિલક સોસાયટીમાં નારયણભાઈ નરસિંહજી વણઝારા પરિવાર સાથે રહે છે. તેમના માતા-પિતા નવસારી તેમના મામાના ઘરે ગયા હતા. દરમિયાન, તેઓ તેમજ તેમના ભાઈ અને પરિવાર ઘરે એકલા હતા. રાત્રિના અરસામાં તેઓ જમી પરવારીને ઘરના ઉપરના માળે સુઈ ગયા હતા. સવારના અરસામાં નારાયણભાઈના પત્ની રેખાબેન નીચે આવ્યા હતા. નીચેનું દૃશ્ય જોતાં જ ચોંકી ગયા હતા. બેઠકરૂમ તેમજ તેમના માતા-પિતાની રૂમની બારીની ગ્રીલના સળીયા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને તેમાંથી રોકડા રૂપિયા 50 હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.80 લાખની તસ્કરી કરી હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે આણંદ શહેર પોલીસ મથકે તેમણે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.