કાલાવડ નાકા બહાર ઘોડી પાસાનો જુગાર રમતા 2 ઝડપાયા, 3 ફરાર

જામનગરમાં કાલાવડ નાકા બહાર બપોરના અરસામાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હતા. જ્યાં પોલીસ ટુકડીએ પહોંચી જઈ દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં બે શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પરંતુ ત્રણ શખ્સો નાસી છૂટયા હોવાથી પોલીસે ત્રણેય ને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જામનગર કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે બપોરના અરસામાં જાહેર ચોકમાં કેટલાક ઇસમો ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. તેવી પોલીસને બાતમી મળી જતાં સીટી એ ડીવીઝન પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. જે દરોડા સમયે ભારે નાસભાગ મચી ગઇ હતી. દરમિયાન પોલીસે ઘોડીપાસા નો જુગાર રમતા કાદર ઉર્ફે છુકછુક અજીજભાઈ બાજરીયા, અને મુસ્તકીમ ઉર્ફે ચીનો મહંમદભાઇ ફુલવાળા નામના બે ઇસમોની અટક કરી તેઓ પાસેથી રૂપિયા 10,300 ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સાહિત્ય જપ્ત કર્યું હતું. ઉપરોક્ત દરોડા સમયે નાસભાગ દરમિયાન જામનગરમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતો સિમુ, સૈયદ અલી પીરની દરગાહ પાસે રહેતો ઇમલો, અને મોટા પિરના ચોકમાં રહેતો મોયલો નામના ત્રણ ઇસમો ભાગી છૂટયા હોવાથી પોલીસે ત્રણેયને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.