ગાંધીધામમાં નવા બનતાં મકાનની બહારથી 25 હજારના વાયરની તસ્કરી  

ગાંધીધામ શહેરના ગુરુકુળ વિસ્તારમાં ડીવાય.એસ.પી.ના મકાનમાં તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ આ જ વિસ્તારમાં વધુ એક તસ્કરીનો બનાવ બહાર આવ્યો હતો. અહીં નવા બનતા એક મકાનમાંથી રૂ.25,600 ના વાયરની તસ્કરોએ તસ્કરી કરી હતી. મેઘપર કુંભારડીની માંગલ્ય રેસીડેન્સીમાં રહેતા મનસુખ નરભેરામ કોટકે તસ્કરીના આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં વોર્ડ 7-ડીમાં આવેલા પ્લોટ નંબર 232માં આ ફરિયાદીનું નવું મકાન બની રહ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી અહીં મકાનની કામગીરી ચાલી રહી છે. ચણતરના કામ બાદ ફરિયાદીએ લાઈટ ફિટિંગ માટે ઠેકેદારને ઠેકો આપ્યો હતો. લાઈટ ફિટિંગના કામ માટે ફરિયાદીએ 67 વાયરના બોકસ ખરીદ્યા હતા. વાયરના આ બોકસ નવા બનતા મકાનની બાઉન્ડ્રીમાં રાખવામાં આવ્યા હતા. લાઈટ ફિટિંગનું કામ કરતા ઠેકેદારે 47 બોકસ વાપરી નાખ્યા હતા અને વધુ કામ જણાતાં બાકી રહેલા 20 બોકસમાંથી વાયર લેવા જતાં આ 20 બોકસ ગુમ જણાયા હતા. જેથી તેણે ફરિયાદીને આ અંગે વાત કરી હતી. ફરિયાદી અને અન્ય લોકોએ મળીને તપાસ કરતાં તેમના નવા બનતા મકાનની પાછળ બાવળની ઝાડીમાંથી ખાલી બોકસ મળી આવ્યા હતા. જેમાંથી વાયર ગુમ હતા. ગત તા. 13/2 થી 16/2 દરમ્યાન બનેલા તસ્કરીના આ બનાવ અંગે છેક ગઈકાલના અરસામાં પોલીસના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે રૂ.25,600 ની ફરિયાદ નોંધી રાબેતા મુજબ આગળની તપાસ હાથ ધરી છે.