સોજિત્રામાં બંધ મકાનનો નકુચો તોડી 96 હજારની મત્તાની તસ્કરી


આણંદ, સોજિત્રા તાલુકાના દેવા-વાંટામાં બંધ ઘરનો નકુચો તોડી રૂપિયા 96 હજારની મત્તાની તસ્કરી થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોજિત્રાના દેવા-વાંટા સ્થિત દાદાની ડેલીમાં વિમલસિંહ ઈન્દ્રજીતસિંહ મહીડા રહે છે. તેમના મકાનથી થોડે દૂર તેમના બે કાકા નરેન્દ્રસિંહ મહીડા તથા અરવિંદસિંહ મહીડાના મકાન આવેલા છે. તેમના માતા-પિતા અહીં રહે છે. જ્યારે તેઓ બંને સુરતમાં સ્થાયી થયા છે. મંગળવારે તેમના કાકા અરવિંદસિંહનો વિમલસિંહને ફોન આવ્યો હતો અને તેમના માતા-પિતા ભગવાનસિંહ અને નંદુબાઈને સુરત મૂકી જવા જણાવ્યું હતું. જેને પગલે તેઓ ઘરને તાળું મારી તેમના કાકાના ઘરે મૂકવા ગયા હતા. દરમિયાન, બીજી તરફ બુધવાર સવારના અરસામાં તેમના પડોશી રક્ષાબેનનો તેમના ઘરે તસ્કરી થઈ હોવાની જાણ કરાઈ હતી. જેથી તેઓ ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઘરના દરવાજાની જાળીનો નકુચો તૂટેલી હાલતમાં અને ઘર ખુલ્લું જોવા મળ્યું હતું. ઘરમાં તપાસ કરતાં ઘરમાંનો તમામ માલ-સામાન અસ્તવ્યસત હાલતમાં હતો. તસ્કરોએ ઘરની તિજોરીમાંથી રૂપિયા 96 હજારની મતાના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે સોજિત્રા પોલીસ મથકમાં વિમલસિંહની ફરિયાદના આધારે પોલીસે તસ્કરીનો ગુનો નોંધી તસ્કરીનું પગેરૂં શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.