વાસણા રોડ પર બંધ મકાનમાંથી 97 હજારની મતાની ચોરી
વડોદરા, વાસણા રોડ પર બંધ મકાનમાંથી 97 હજારની મતાની તસ્કરી થઇ હતી. બનાવ સંદર્ભે ગોત્રી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પાણીગેટમાંથી પણ બંધ ઘરમાંથી 63 હજારની મતાની તસ્કરી થઈ હતી. ગોત્રી પોલીસ મુજબ વાસણા રોડની જનતાનગર સોસાયટીના નિવૃત્ત કરણસિંહ ચંદ્રસિંહ સોલંકી 10 ફેબ્રુઆરીએ પરિવાર સાથે બીલમાં બંધાતા નવા મકાન ખાતે ગયા હતા. 11મીએ સવારના અરસામાં પડોશી શૈલેશ નારણભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે, તમારા ઘરમાંથી બે-ત્રણ માણસો નીકળી રહ્યા છે, તમે ઘરમાં છો કે બીજા કોઈ છે આ સંદેશો મળતાં જ કરણસિંહ ઘરે પહોંચ્યા હતા. તપાસ કરતાં 97 હજારની મતાની તસ્કરી થઈ હતી. અન્ય બનાવમાં આજવા રોડના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1,84,500 ની મતાની તસ્કરી થઈ હતી. આ અંગે બાપોદ પોલીસે કાર્યવાહી કરી છે. ભગવાનદાસ મોહનલાલ અજમેરી ટ્રેકટર રીપેરીંગનું કામ કરે છે. 5મી માર્ચે રોજ તેઓ પાવાગઢ ફરવા ગયા હતા. ત્યારે ત્રાટકેલા તસ્કરોએ રોકડ 70,000, સોના-ચાંદીના દાગીના મળી 1,84,500 ની તસ્કરી કરી હતી.આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.