ભુજમાં શ્રમિકના બંધ મકાનને નિશાન બનાવી 15,900ની ચોરી

ભુજ,જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતા બનાવો વચ્ચે ભુજમાં શ્રમિકના બંધ મકાનને સાંજના અરસામાં નિશાન બનાવીને રોકડ રકમ સહિતની મતા તસ્કરી કરી લઈ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ મામલે શ્રમિકે તેના મિત્ર સામે શંકાની સોઈ તાકી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર આ બનાવ મામલે મૂળ નેપાળના વતની અને મજૂરી કરતા લોગ જગતભાઈ બીસ્ટે તેના મિત્ર આરોપી આકાશ રતન ચનાલ સામે ફરિયાદ લખાવી છે. તસ્કરીનો આ બનાવ ગત તા. 10ના’ સાંજના અરસામાં બન્યો હતો. આરોપીએ બંધ ઘરનાં તળાં તોડીન થેલામાં રાખેલા રૂ.100 ની કિંમતના સાંકળા અને તેની પત્નીના ઘરકામના મળેલા રૂ.15,800 તસ્કરી કરી જવાયા હતા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી મિત્ર આકાશ તેના ઘરે જમવા આવ્યો હતો. બાદમાં સાંજના અરસા સુધી ભેગા હતા. તેના પછી લોટસ કોલોનીમાં કામ પતાવીને પોતાના ઘરે પગપાળા આવ્યો ત્યારે તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ગત સાંજના અરસામાં આરોપીના ઘરે જઈને તપાસ કરતાં તે ગુમ હોવાનું માલૂમ પડતાં તસ્કરી તેના મિત્રએ જ કરી હોવાની શંકા દર્શાવાઈ છે. એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરી છે.