દાંતાના પુંજપુરમાં બંધ મકાનના તાળા તોડી નિશાચરોએ રૂપિયા 1.22 લાખના મુદ્દામાલની તસ્કરી કરી


અંબાજી, દાંતા તાલુકાના પુંજપુરમાં પિતા-પુત્રના બંધ મકાનના તાળા તોડી નિશાચરોએ રૂપિયા 1.22 લાખના મુદ્દામાલની તસ્કરી કરી હતી. પિતા પુત્રને મળવા માટે સતલાસણા ગયા હતા. ત્યારે નિશાચરોએ કસબ અજમાવ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દાંતા તાલુકાના પુંજપુર ગામના કાંતિલાલ ચેલાભાઇ પંડ્યા (ઉ.વ.63) તેમની પત્ની બબીબેન સાથે રહે છે.તેમનો મોટો પુત્ર શૈલેષભાઇ ધંધાર્થે પરિવાર સાથે પાલનપુર રહે છે. નાનો પુત્ર વિજય પરિવાર સાથે સતલાસણા રહે છે. દરમિયાન તેઓ તારીખ 5 માર્ચના અરસામાં પત્ની સાથે તેમના નાના દીકરાને ત્યાં સતલાસણા ગામે મળવા ગયા હતા. ત્યારે અજાણ્યા નિશાચરોએ કાંતિભાઇના મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી પતરાની પેટીનું તાળુ તોડી અંદરથી રૂપિયા 20,000 નું સોનાનું કડુ પાંચ ગ્રામ, રૂપિયા 16,000ની સોનાની વિંટી ચાર ગ્રામ, ચાંદીના દાગીના તેમજ રૂપિયા 10,000 રોકડા મળી કુલ રૂપિયા 61,600 ની તસ્કરી કરી હતી. જ્યારે શૈલેષભાઇના મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી રૂપિયા 32,000 ની સોનાની બે વીંટી આઠ ગ્રામ, રૂપિયા 20,000 નું સોનાનુ કડુ પાંચ ગ્રામ, ચાંદીની લક્કી મળી કુલ રૂપિયા 60,900ના મુદ્દામાલની તસ્કરી કરી પિતા-પુત્રના મકાનમાંથી કુલ રૂપિયા 1,22,000ના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે કાંતિલાલ પંડ્યાએ દાંતા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને તેમને પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.