બાવળામાંથી ઇકો કારના સાઇલેન્સરની તસ્કરી
બાવળા શહેર અને તાલુકામાં ઇકો ગાડીનાં સાઇલેન્સરની તસ્કરી કરતી ગેંગ સક્રિય બની છે.ગાડીનાં સાઇલેન્સરની તસ્કરીનાં બનાવો વધી રહ્યા છે. બાવળામાં આવેલી ઘુમલીયાની ડેલીમાં રહેતાં પરમાર મયુર દિનેશભાઇ ધોબી કામ કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે હોટલોમાં કપડાં ધોવાનો કોન્ટ્રાકટ રાખેલો છે.તેમની ઇકો કાર નંબર GJ- 38 – BB – 8227 રાત્રિના અરસામાં ઘરે આવીને ઘરની બહાર પાર્ક કરીને નિત્યક્રમ મુજબ સૂઈ ગયા હતાં. સવારના અરસામાં નિત્યક્રમ મુજબ ગાડી લઈ હોટલવાળાનાં કોન્ટ્રાકટ મુજબ કપડાં લેવા જવાનું હોવાથી ઘરની બહાર પાર્ક કરેલી ઇકો ગાડી ચાલુ કરતાં જ જુદો જ અવાજ આવતાં તેમણે નીચે તપાસ કરતાં ખબર પડી કે ગાડીમાં સાઇલેન્સર જ નથી. જેથી સાઇલેન્સરની તસ્કરી થઈ હોવાનું માલુમ પડતાં તેમનાં મિત્ર આહીર અશ્વિનભાઈને જાણ કરીને તેમને લઈને બાવળા પોલીસ સ્ટેશને જઇને ગાડીનું સાઇલેન્સર તસ્કરી થઈ ગયું હોવાની ફરિયાદ લખાવતા બાવળા પોલીસે ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.