બોટાદ જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશનના અસરકારક કાઉન્સિલિંગ દ્વ્રારા એક મહિલાનો ઘરસંસાર તૂટતો બચયો

અત્યારના સમય પ્રમાણે જોવા જઇએ તો સુખદ લગ્નજીવનનુ પ્રમાણ પહેલાના સમય કરતા ઘણું ઓછું થતું જાય છે.

         ઘરકંકાસ,  ઘરેલુ હિંસા,  ઝઘડાઓ ,છૂટાછેડા વગેરે જેવા બનાવો દિનપ્રતિદિન વધતાં જાય છે. દારૂ,જુગાર વગેરે જેવા દુષણોની લગ્નજીવન પર ખૂબ જ માઠી અસર વર્તાય રહી છે અને તેને લીધે જ તો આ ઘરકંકાસ , ઝઘડાઓ અને છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે.નાની નાની વાત છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે.આવા કારણોને લીધે જ સ્ત્રીઓ પર આર્થિક ભારણ વધતું જાય છે. ઘરકામની સાથે સાથે આર્થિક જવાબદારી પણ વધતી જાય છે. આવી જ કંઈક ઘટના હમણાં થોડા દિવસ પહેલા બોટાદ શહેર વિસ્તારમાં બની.

         એક પીડિત મહિલા તેના બાળકોને લઇને મહિલા પોલીસ સ્ટેશન આવેલ અને અત્યંત દયનીય હાલતમાં પોતાની આપવીતી જણાવેલ કે તેમને લવ મેરેજ કરેલ છે અને તેમના લગ્નજીવનને ૧૩ વર્ષ જેટલો સમય થયો છે અને તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. તે મહિલા આગળ જણાવે છે કે તેમના પતિ કંઈ પણ કામકાજ કરતા નથી અને દારૂ પીને આવીને ખૂબ જ મારપીટ કરે છે અને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને તેમના છોકરાઓને પણ હેરાન કરે છે. તેથી તેમને પોતાને હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવુ પડે છે.

        આ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રી આર.એમ. ચૌહાણના હાથમાં આવતા તેઓ તે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશન બોલાવેલ .મહિલા પી.આઈ. દ્વારા તેણીના પતિને સમજાવેલ અને હવે પછીથી દારૂ નહીં પીવાની બાંહેધરી લીધેલ અને તેને પોતાની પત્ની અને બાળકો પ્રત્યેની તેની જવાબદારીનું ભાન કરાવેલ .ત્યારબાદ તેમની બંને વચ્ચેના મતભેદો દૂર કરી તેમનો સંબંધ પ્રેમપૂર્વક અને સારી રીતે રહે અને તેમના લગ્નજીવનમાં ફરી વખત આવી સમસ્યા ન આવે તે માટે જરૂરી સલાહ-સુચન પણ આપેલ.

       આમ મહિલા પી.આઈ અને તેમના સ્ટાફ દ્વારા એક તૂટતાં લગ્નજીવનને બચાવવા માટે સંવેદનશીલતાથી અને અસરકારક કાઉન્સિલિંગ કરી તેમના લગ્નજીવનને એક નવી રાહ પર લાવવાના પ્રયાસો કરેલ.

        ત્યારબાદ પતિ-પત્ની બંનેએ એકબીજા સાથેના મતભેદો ભુલાવી અને તેણીનાં પતિએ હવે પછીથી દારૂ નહીં પીવાની બાંહેધરી આપેલ અને તેની પત્ની અને બાળકોનું સારી રીતે ધ્યાન રાખીશ અને સંપૂર્ણ જવાબદારી ઉપાડી સાંસારિક જીવન જીવવા માટે તૈયારી દર્શાવેલ.આમ મહિલા પોલીસ સ્ટેશન  દ્વારા મહિલાના સાંસારિક જીવનના પ્રશ્નોનું નિરાકરણ કરી તેમનો ઘરસંસાર તૂટતો બચાવ્યો હતો.