ગાંધીધામ સંકુલની જર્જરિત ઈમારતો બની જોખમી

ગાંધીધામ નગરપાલિકા પાસે આવેલ ચેતના ચેમ્બર્સમાં છેલ્લા કેટલાક સમયથી અત્યંત ખસ્તાહાલ સ્થિતિના કારણે લોકોમાં ભય હતો ત્યારે ગતરોજ તેના બીજા માળે કેટલાક સમયથી લટકી રહેલો મલબો તુટીને નીચે પડ્યો હતો. આ અને આના જેવીજ અન્ય ઈમારતો પણ શહેરમાં આવેલી છે, જે અંગે પાલિકા,જીડીએ કે જવાબદાર તંત્ર પોતાની કાર્યક્ષમતાઓ અંગે હાથ બંધાયેલા હોવાનું કહીને જરૂર છતાં ઠોસ્સ કાર્યવાહી નથી કરી શકતા, પરિણામ સ્વરુપ કોઇ માસુમને મલબા નીચે દબાઈને મરવા મજબુર થવું પડે છે!
ગાંધીધામમાં ડીપીએ, એસઆરસી, જીડીએ, પાલિકા સહિતની વ્યવસ્થાઓ વચ્ચે જમીન માલિકીની અલગ વ્યવસ્થાના કારણે સતાઓ વહેંચાયેલી છે કે જીડીએના સાપેક્ષ માં અન્ય સતા મંડળો કરતા અલગ પણ તારવાયેલી છે. આવી સ્થિતિમાં ગાંધીધામમાં ઘણી ભૂકંપ પહેલાની ઈમારતોને જબરદસ્તી સમારકામ કરાવીને ઉભી રાખવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આની પાછળ હવે ઈમારતને તોડ્યા બાદ પ્લસ ટુના બાંધકામ સિવાયની પરવાનગી ન મળતી હોવાનું કારણ રહેલું છે. ત્યારે નગરપાલિકાની બાજુમાંજ, સેન્ટ્રલ બેંક સામે આવેલી ચેતના ચેમ્બર્સમાં પીલર્સ પર પડેલી મોટી તીરાડો, તૂટેલા બાંધકામ અને પડવા માટે લટકતા મલબાને જોઇ શકાય છે. આવીજ કેટલીક હદે હાલત જુની કોર્ટની પણ છે અને અન્ય ઈમારતોની પણ. પરંતુ સિસ્ટમની પ્રક્રિયાઓની આંટીઘુંટીમા ફસાયેલું પ્રશાસન લોકોની જીવની કિંમત કરતા વધુ કાર્યપ્રલાણીને મહત્વ આપીને પગલા નથી ભરતું? જો આજ પ્રશ્ન હોય તો આ વ્યવસ્થા ફેરવીચાર લાયક હોવાનો મત શહેરના પ્રબુદ્ધ વર્ગ દ્વારા વ્યક્ત કરાયો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ