કંડલામાં ઘઉંના નિકાસ પર પ્રતિબંધ

રશીયા યુક્રેન યુદ્ધના કારણે અન્ય દેશોમાં મળી ન રહેલા ઘઉંનો જથ્થો ભારત આપી રહ્યો હોવા અંગે ગર્વ લેવાથી ન અટકતી સરકારને અચાનક વાસ્તવીકતાનું ભાન થયું હોય તેમ ગત રોજ અચાનક નોટિફિકેશન બહાર પાડીને ઘઉંના એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. અગાઉ લાલજાજમ પાથરીને એક્સપોર્ટ માટે પ્રયાસો કરતું અને ઘઉંની લોડીંગ માટે વેસલોને પ્રાથમિકતા આપતું પોર્ટ અને પ્રશાસન હવે તેના દ્વારે પડેલા 2 મિલિયન ટનથી વધુ ઘઉંનું શું કરીશું તે અંગે મૌન સેવી રહ્યું છે. આ નિર્ણય દેશમાં વધતા ઘઉંના ભાવો અને આવશ્યકતાને ધ્યાનમાં લઈને લેવાયો હોવાનું ભારત સરકાર દ્વારા જણાવાયું હતું.
નિકાસ પર પ્રતિબંધની નોટિફીકેશન જાહેર વિશ્વના બે દેશો વચ્ચે ચાલતા યુદ્ધ અને તેના કારણે તેમના પર ઘઉં માટે નિર્ભર દેશોને ન મળતા ઘઉંના જથ્થાની આપુર્તી ભારત દ્વારા ગત મહિનાથી અતિ ઉત્સાહ સાથે શરૂ કરી દેવાઈ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અને દેશની અંદર પણ ઘઉંના વધતા ભાવોથી ડઘાઈ ગયેલી સરકારે શનિવારે અચાનક નોટિફીકેશન બહાર પાડીને 13મે સુધી આવેલા, એલસી કઢાવેલા ઘઉં સિવાયની નિકાસ પર પ્રતિબંધ ઘોષિત કરી દીધો હતો. કંડલા કસ્ટમે લોડીંગ અટકાવી દીધું દેશભરમાંથી ઘઉંની થતી નિકાસમા 75% માત્ર કંડલાથી થઈ રહ્યું છે ત્યારે અંદાજે 2 મિલિયન ટન જેટલા ઘઉં આજે પણ એક્સપોર્ટ થવા ખડકાયેલા પડ્યા છે ત્યારે તેમનું શું થશે તે અંગે અસંજસની સ્થિતિ ઉભી થઈ છે. અધુરામાં પુરુ કંડલા કસ્ટમ દ્વારા એલસી હોવા છતાં નોટિફિએકશનનો હવાલો આપીને ડીજીએફટીમાં તેનું રજીસ્ટ્રેશન હોવું જોઇએ, તોજ લોડ કરવા દેશું, તેનો નિર્દેશ આપીને લોડીંગ અટકાવી દીધું હતું. જેના કારણે કંડલા પોર્ટ પર 4 જહાજમાં ચાલતું લોડીંગનું કામ કાજ અટકી ગયું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ