લાકડીયાથી પાછો જતો રાજકોટનો સોની પરિવાર અકસ્માતમાં પિંખાઈ ગયો, ૯ મોત.
રાપર તાલુકાના લાકડીયા ગામે આવેલા દેવસ્થાનના દર્શન કરી સીએનજી ઇકો કારમાં પાછો ફરી રહેલો રાજકોટનો સોની પરિવાર ગોઝારા માર્ગ પર અકસ્માતમાં પિંખાઈ ગયો. મધરાતે રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક છત્તર-કાગદડી ગામના પાટિયા નજીક સોની પરિવારની ઇકો કાર ટ્રક સાથે અથડાયા બાદ અગનગોળો બની જતા કાર ચાલક સહિત પરિવારના તમામ નવ સભ્યોનો મોત નિપજયુ હતું.
આ દુર્ઘટનામાં છ સભ્યોનો ઘટના સ્થળેજ મોત થાય હતા જ્યારે બીજા ત્રણ સભ્યોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ગ્વાલિયરમાં રહેતા ભાવનાબેન રાજેશભાઇ કલાડીયા તેમના પતિ સાથે રાજકોટમાં લક્ષ્મીવાડીમાં રહેતી તેમની બહેન મિતાબેન રમેશભાઈ કલાડીયાને ત્યાં આવ્યા હતા. સોમવારે સવારે બધા ઇકો કાર(જીજે ૩ એફડી ૬૫૬૩) ભાડે કરીને રાપરના લાકડીયા ગામે સુરાપુરાના અષાઢી પાંચમ ના ઉત્સવના દર્શન કરી મંગળવારે આ પરિવાર પાછો રાજકોટ જઇ રહ્યો હતો ત્યારે રાત્રે સાડા આઠ-નવ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક સાથે ટક્કર બાદ ઇકો કાર અગનગોળો બની ગઈ હતી. હાઇવે પરથી પસાર થતા લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બહાર કઢાય તે પહેલાં જ કાર ચાલક સહિત છ લોકો કાર માંજ જીવતા ભૂંજાઈ ગયા હતા. તથા અન્ય ત્રણ જણા ને રાજકોટ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ત્રણે જણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બે મૃતદેહને ગ્વાલિયર લાઇ જવાયા છે. બાકીના સાત લોકોની અંતિમક્રિયા રાજકોટમાં કરવામાં આવી ત્યારે સૌની આંખોમાં આંસુનો દરિયો ઉમટયો હતો. આ દુર્ઘટનાને કારણે દોઢ કલાક સુધી હાઇવે પાર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે મોરબીથી આવેલા વાહનોને મિતાણા બાયપાસ પાર ડાયવર્ટ કર્યા હતા. મૃતકોમાં બળવંતભાઈ ઠાકરશીભાઈ કલાડીયા (ઉ.વ.૬૪), રમેશભાઈ ઠાકરશીભાઈ કલાડીયા (ઉ.વ.૫૭), સાગરભાઈ રમેશભાઈ કલાડીયા ( ઉ.વ.૨૪), મીનાબેન રમેશભાઈ કલાડીયા (ઉ.વ.૫૨), રાજેશભાઇ રસિકભાઈ કલાડીયા (ઉ.વ.૪૫), ભાવનાબેન રાજેશભાઇ કલાડીયા (ઉ.વ. ૪૨), મહેશભાઈ પ્રવીણભાઈ કલાડીયા (ઉ.વ.૪૭), સંગીતાબેન મહેશભાઈ કલાડીયા (ઉ.વ.૪૫), અને કાર ચાલક સુરેશભાઈ આદેસરા (ઉ.વ.૪૦) નો સમાવેશ થયો છે.