મુંદ્રા પોર્ટ પાસે સીડબ્લ્યુસીમાંથી 500 કરોડનું કોકેઈન ડ્રગ્સ અને 14 ટન રક્તચંદન ઝડપાયો
મુંદ્રા પોર્ટ પાસે સીડબ્લ્યુસીમાંથી 500 કરોડનું કોકેઈન ડ્રગ્સ અને એમઆઈસીટીમાંથી મળેલી 14 ટન રક્તચંદન બાદ બન્ને કિસ્સાઓમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યભરમાં આ બન્ને કેસ સંલગ્ન 7 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓની બન્ને કેસ પર ચાંપતી નજર છે તો ટુંક સમયમાંજ વધુ ધડાકા થવાની સંભાવના પણ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પોર્ટ ઉતરેલા મીઠાના કન્ટેનરને સીડબ્યુસીમાં લઈ જઈને તપાસ કરવામાં આવતા તેમાંથી 500 કરોડનું 52 કિલો કોકેઈન મળી આવ્યું હતું. સામાન્ય રીતે કચ્છમાંથી મીઠુ એસપોર્ટ થતું હોય છે, દેશભરની જરૂરીયાતનો 70% જેટલો મોટો હિસ્સો પણ કચ્છ પુરુ પાડે છે ત્યારે ‘ટેબલ સોલ્ટ’ જેવું સામાન્ય કેટેગરીનું મીઠા ભરેલું કન્ટેનર કોઇ કેમ મુંદ્રામાં ઈમ્પોર્ટ કરે?
તે બાબતએ શંકાની સોઇ તાકી હતી. જેથી તપાસ કરતા તેમાંથી ડ્રગ્સનો જથ્થો ત્રણ પેકેટમાં સંતાડેલો મળી આવ્યો હોવાનું કસ્ટમના સુત્રોમાંથી જાણવા મળે છે. બીજી તરફ રક્તચંદનનો જથ્થો ખોડીયાર આઈસીડીથી લોડ થતા પહેલા ક્યાંથી આવ્યો હતો, તે દિશામાં પણ તપાસનો દોર ચાલી રહ્યો છે.