દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં પ્રતિબંધ છતા માછીમારી કરવા ગયેલા બોટધારકો સામે ફોજદારી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એસઓજી પોલીસની જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી પ્રતિબંધ છતા દરીયામાં માછીમારી કરવા ગયેલા તેર બોટ ધારકો સામે જાહેરનામાના ભંગ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. ચોમાસાની ઋતુને પગલે દરીયો તોફાની બનતો હોય માછીમારી મારવા તથા દરીયો ખેડવા સામે જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ લાદતુ જાહેરનામુ અમલી બનાવવામાં આવ્યુ છે.

જો કે, આમ છતા અમુક માછીમારો દરીયા અંદર માછીમારી અર્થે જતા હોવાની ચોકકસ બાતમી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપને મળી હતી જેના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી વાડીનાર તથા સલાયા પંથકમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યુ હતુ. જે ચેકીંગ વેળાએ પોલીસે વાડીનારના અગીયાર અને સલાયાના બે સહીત તેર બોટધારકો સામે ફિશરીઝ એકટ અને જાહેરનામાના ભંગ મામલે ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજી પોલીસે કાસમ ઉંમર હુંદડા, મોહસીન સીદીક હુંદડા, સીદીક મુસા ચમડીયા,મોસીન અબ્દુલ ગાધ, આદમ જુનસ ભટ્ટી, અસગર બચુ જેરા, જુસબ અબ્દુલ સુંભણીયા, વલીમામદ હુશેન કુંગડા, હનીફ અઝિઝ હુંદડા, સાજીદ ઓમસાણ ભગાડ, બીલાલ આમદ સુંભણીયા, ફારૂક જુસબભાઇ ગાદ અને જુનસ કાસમ સંધાર સહિત તેર સામે પોલીસે ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.