ટ્રેનમાં મુસાફરોને બેભાન કરી લૂંટતો ખીસ્સાકતરૂ ઝડપાયો

ટ્રેનોમાં મુસાફરી દરમિયાન યાત્રીઓ સાથે મિત્રતા કેળવી લૂંટી લેતા આંતરરાજ્ય ગુનેગારને વડોદરા રેલવે એલ.સી.બીએ મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો. ઇસમ સામે વિવિધ રાજ્યોમાં 12થી વધુ ગુના દાખલ હોવાનું સપાટી પર આવ્યું. ઇસમ ટ્રેનમાં મુસાફરોને ભાંગના પાઉડરથી બેભાન કરીને લૂંટ કરતો હોવાનું બહાર આવ્યું.
વડોદરા સ્ટેશન ખાતે સુરતના મુસાફરને બેહોશ કરી ખીસ્સાકતરૂ સામાન ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે એલ.સી.બી પ.રે.ના પીઆઈ ઉત્સવ બારોટના નિરીક્ષણ હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. ખીસ્સાકતરૂએ નશીલો પદાર્થ ખવડાવી યાત્રીના મોબાઈલનો પાસવર્ડ જાણી લઇ ફોન-પે એપ્લિકેશન દ્વારા 7 હજાર ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો થયો. પોલીસ બેંક એકાઉન્ટ, પેટીએમ સહિતની વિગતો મેળવી ઇસમ સુધી પહોંચી. પોલીસે મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ચીના ગામે રેડ પાડી રવીન્દ્ર સિરોમન પંચમ દોહરેની અટક કરી બે મોબાઈલ ફોન અને રોકડા રૂા.4 હજાર કબ્જે કરી તપાસ હાથ ધરી.
રવીન્દ્ર દોહરેની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરી. ત્યારબાદ ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (આઈસીજેએસ) નામનું પોર્ટલ તપાસ્યું, જેમાં આરોપી રવીન્દ્ર વિશે ચોંકાવનારી માહિતી મળી. જેમાં તેની વિરુદ્ધ મધ્યપ્રદેશ, નોઈડા, યુપી, રાજસ્થાન, ન્યૂ દિલ્હી, બનાસકાંઠા ખાતે 12 ગુના નોંધાયા હોવાનો ખુલાસો થયો.
મધ્યપ્રદેશના દતિયાનો ઇસમ રવીન્દ્ર દોહરે ભાંગનો પાઉડર ખાદ્ય પદાર્થ અથવા પ્રવાહીમાં ભેળવીને મુસાફરને બેહોશ કરી દેતો હતો. મુસાફર બેહોશ થઇ ગયા બાદ તેનો સામાન ચોરી તે ફરાર થઇ જતો હતો, એવું પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું.
ઇસમ રવીન્દ્ર દોહરેએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, ભાંગનો ભુક્કો એમપીમાં રેશનિંગમાં મળે છે એટલે બેહોશ કરવા માટે કોઈ ખાસ દવા કે ગોળી બજારમાંથી લેવી પડતી નથી. તે ભાંગના ભુક્કાનો પૂરતો જથ્થો લઇને નીકળતો હતો. સ્ટોક ખૂટી જાય એટલે પાછો વતનમાં જતો રહેતો હતો.