વંદે ગુજરાત વિકાસ યાત્રા -૨૦૨૨




ભુજ તાલુકાના મીરઝાપર ખાતે હર્ષોઉલ્લાસથી વંદે ગુજરાત યાત્રા રથનું સ્વાગત
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું પ્રતિકરૂપે વિતરણ કરાયું
ગુજરાતમાં થયેલા વિકાસકાર્યોની મહેક જનજન સુધી પહોંચે તે માટે આયોજિત વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ભુજ તાલુકાના મીરજાપર ખાતે આવી પહોંચ્યો હતો. ગામના લોકો દ્વારા રથનું હર્ષોઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળાઓએ રથને કુમકુમ તિલક કરીને આવકાર્યો હતો. સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓથી લોકો અવગત થાય તે માટેની માહિતી આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી હતી. ઔષધીય છોડ ભેટ આપીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
૪૦ જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આરોગ્યકર્મીઓએ સ્થળ પર લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગોને અટકાવવા માટે શું-શું પગલા લેવા જોઈએ તેની માહિતી આરોગ્યકર્મીઓએ લોકોને આપી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય વિનોદભાઈ વરસાણી, અગ્રણી શ્રી દર્શનભાઈ જોશી, તલાટી શ્રી વી.ડી.સોલંકી અને સંગીતાબેન પગી, આંકડા મદદનીશ શ્રી અંકિતભાઈ ઠક્કર, વનરક્ષક શ્રી સંજય ચૌધરી તેમજ, આંગણવાડી સ્ટાફ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પરમાર ગૌતમ


