જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરતાં સાંસદશ્રી મહેન્દ્રભાઇ મુંજપરા

બોટાદ જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ વિરાણી, ધંધુકાના ધારાસભ્ય શ્રી રાજેશભાઇ ગોહિલ, જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પલસાણા સહિતના જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા સાંસદશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાએ જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત રીતે હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર તેના લાભો મળી રહે તે રીતનું સુચારૂં આયોજન ઘડી કાઢવાનો અનુરોધ કર્યો હતો.

   શ્રી મુંજપરાએ બોટાદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા રોડ, રસ્તા, સિંચાઇ, વીજળી સહિતના અન્ય કામો ઝડપભેર અને સમયસર પૂર્ણ કરવાની સાથે જિલ્લાની શાળા-કોલેજમાં અભ્યાસ કરવા આવતી બહેનોની સલામતી જળવાઇ રહે તે માટે શાળા-કોલેજ શરૂ થવાના અને પૂર્ણ થવાના સમય દરમિયાન મહિલા પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવા જરૂરી સુચનો કર્યાં હતાં. 

      આ બેઠકમાં શ્રી મહેન્દ્રભાઇ મુંજપરાએ શિક્ષણ, આરોગ્ય,મનરેગા, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પાણી પુરવઠા, વાસ્મો, અન્ન નાગરિક પુરવઠા, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

        સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારશ્રીની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે દિશાના પ્રયાસો હાથ ધરવા ઉપરાંત જિલ્લામાં જે શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અથવા આરોગ્ય કેન્દ્રો જર્જરીત હાલતમાં હોઇ તો તેને સત્વરે રિનોવેશન કરાવવા અથવા નવા બનાવવા માટેની દરખાસ્ત કરવાની સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. 

     આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ વિરાણી, ધંધુકાના ધારાસભ્ય શ્રી રાજેશભાઇ ગોહિલે પણ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં. જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે ઉક્ત બેઠકમાં જિલ્લામાં અગત્યના વિકાસકીય પ્રોજેક્ટની ઝીણવટભરી જાણકારી આપી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ટી.એમ.મકવાણાએ જિલ્લાકક્ષાની  દિશા મોનીટરીંગ સમિતિની બેઠકની રૂપરેખા રજૂ કરી હતી.