કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ

ચીનમાંથી 2019ના અંતે વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસે મહામારી નોતરી હતી. ત્યાં હવે દુનિયાના અનેક દેશોમાં જોવા મળેલ મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ કેરળ રાજ્યમાં નોંધાયો હતો.
કેરળમાં જ બીજો મંકીપોક્સ વાઇરસનો કેસ નોંધાયો છે. જેનો રિપોર્ટ પોઝીટીવ મળ્યો છે. આ વ્યક્તિ 1 અઠવાડિયા પહેલાં જ દુબઇથી કેરળ આવ્યો હોવાનું કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે માહિતી આપી છે. કેરળમાં મંકીપોક્સનો આ બીજો કેસ છે, જે દેશમાં બીજો કેસ છે. આ વિશે મંત્રીએ માહિતી આપતાં જણાવ્યુ છે કે, “13 જુલાઈના રોજ કેરળ પહોંચેલ દર્દી કન્નુરનો રહેવાસી છે અને ત્યાંની પરિયારામ મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે. આ દર્દીની તબિયત સ્થિર છે. જે લોકો દર્દીના નજીકના સંપર્કમાં હતા તેઓની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.”
કેરળના આરોગ્ય વિભાગે મંકી પોક્સ અંગે માર્ગદર્શિકા અગાઉથી જ જાહેર કરી છે. WHO અને ICMR દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
કેરળમાં મંકીપોક્સના બે દર્દીઓ મળ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે રવિવારથી રાજ્યના તમામ પાંચ એરપોર્ટ પર દેખરેખ વધારી દીધી છે. વિદેશથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કન્નુર એરપોર્ટ પર વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
કેરળના કોલ્લમમાં મંકીપોક્સના ભારતના પ્રથમ કેસને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કેરળ સરકારની મદદે આવી છે. તેમણે મંકીપોક્સનો ફેલાવો અટકાવવા એક ટીમ મોકલી આપી છે. આ બિમારી આગળ ન વધે અને કેસની તપાસ કરવા, દર્દીના આરોગ્ય માટે જરૂરી પગલાં ભરવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટી ટીમ તૈનાત કરશે તેમ સ્વાસ્થય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
