ત્રંબોમાં 2 બાઇક ટક્કરાતા, એક યુવાનનું મોત, બે ઘાયલ


ભુજ તાલુકાના ત્રંબો ગામ પાસે બે મોટર સાયકલ સામ-સામે ટક્કરાતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયુ હતું, જ્યારે બે વાહન ચાલકને ઇજાઓ પહોંચી. માધાપર પોલીસ મથકે અકસ્માત સર્જનાર વિરૂધ ગુનો દર્જવામાં આવ્યો છે. સરસપર ગામે રહેતા હરીભાઇ ગોપાલભાઇ ખાસાએ જ્યુપીટરના ચાલક નરશીભાઇ ગોપાલભાઇ હેઠવાડીયા (આહિર) વિરુદ્ધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે.આ ઘટના રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ત્રંબો ગામ પાસે હાજીપીરની દર્ગાહની બાજુમાં આવેલા રોડ પર બની હતી. સરસપુરના રહેવાસી નરશીભાઇએ પુરઝડપે અને બેદરકારીથી વાહન લચાવીને સામેથી આવતી મોટર સાયકલ સાથે અકસ્માત કર્યો. જેમાં નરશીભાઇને ઇજા પહોંચી હતી. તેમના વાહનમાં પાછળ બેઠેલા વિપુલ ભરતભાઇ ખાસા (આહિર) ઉ.વ.23ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સામેની મોટર સાયકલના ચાલકને પણ ઇજા થતાં ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિપુલ ખાસાને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધો હતો. માધાપર પોલીસે જ્યુપીટરના ચાલક નરશીભાઇ વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે