કાર્યકરોની મહેનત અને પોલીસની જહેમત લાવી રંગ: ડીપી ચોકના હનુમાન મંદિરમાંથી ચોરાયેલ મુગટ કલાકોમાં શોધાયું
જ્યેષ્ઠાનગર કેમ્પ એરિયામાં આવેલા ડીપી ચોક ખાતે સાંજે હનુમાનજી મંદિરમાંથી ચાંદીના મુગટ ચોરી થવાનો બનાવ બન્યો હતો. જેમાં ગણતરીના કલાકોમાં આ મુગટ શોધી કબજે લેવાયો હતો.એક ઇસમે આવીને દાદાના મસ્તક પર ચડાવેલ ચાંદીના મુગટની ચોરી કરી હતી જેથી ઘટનાની જાણ થતા હનુમાન યુવક મંડળના સભ્યો એકત્ર થયા અને મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા આ ચોરીની ઘટના કેદ થઈ હતી.
જેથી તાત્કાલિક એ ઈસમને શોધી લેવાયો હતો અને કંટ્રોલરૂમ તેમજ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી જેથી પોલીસે આવી કાર્યકરો દ્વારા પકડવામાં આવેલા ઈસમની પૂછપરછ કરી હતી.જોકે આ વ્યક્તિ પાસે મુગટ ન હોઈ રામધૂન વિસ્તારમાં લઈ જઈ રાત્રે છાનબીન કરવામાં આવી હતી તે દરમ્યાન ભુજ શહેર હોમગાર્ડ યુનિટના સિક્યુએમએસ વારીશ પટણી દ્વારા સૂઝબૂઝના આધારે મુગટ શોધી કાઢવામાં આવ્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓને કબ્જો સોંપવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે,મુગટ લઈ જનાર વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોતા અને મુદામાલ રિકવર થઈ જતા કાયદેસરની ફરિયાદ કરવામાં આવી નથી.