રામાણિયામાં આઠ જગ્યાએ તાળાં તૂટ્યા 1.13 લાખના મુદ્દામલની ચોરી 


મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામમાં ગત રાત્રે વરસાદી માહોલનો લાભ ઉઠાવતા નિશાચરોએ જુદી જુદી આઠ જગ્યાએ ખાતર પાડી કુલ્લ 1.13 લાખ રૂપિયાનું ખાતર પડતાં નાનકડા એવા ગામમાં રાડ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ જાણે રેકી કરી ગયા બાદ તસ્કરોએ ખુદ ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચ ના પતિના સિમેન્ટના ગોડાઉન ઉપરાંત પેંડા ની દુકાન,સ્ટુડિયો,બે ચા ની ટપરી તથા બે પાનબીડી ની કેબિન સમેત આઠ જગ્યાએ તાળાં તોડી જે હાથમાં ચડે તેનો હાથફેરો કર્યો હતો.એટલે સુધી કે બિસ્કીટ,પીપર અને બીડી સહિતની સામગ્રી સુદ્ધાંની ઉઠાંતરી કરવાનું ચૂક્યા ન હતા.
વહેલી સવારે દુકાનો ખોલતી વખતે બનાવ અંગેની જાણ થતાં તબક્કાવાર આઠ સ્થળોએ મળી કુલ્લ 1.13 લાખની રોકડ ઉપડી હોવાનું સામે આવતાં મુન્દ્રા પોલીસને જાણ કરાઈ હતી. જેને લઇ પોલીસ ટુકડીએ સ્થળ પર ઘસી જઈ તપાસ હાથ ધરી હતી.