૪.૩૦ લાખ જેટલા ગૌવંશમાં લમ્પી વિરોધી રસીકરણની કામગીરી પુર્ણ કરાઈ.
ભુજ,ગુરુવાર કચ્છ જિલ્લામાં ગાયોમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડિસીઝ રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ અને જિલ્લા પંચાયત કચ્છ દ્વારા સતત ઝુંબેશ સ્વરૂપે રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહેલ છે. શરૂઆતમાં સ્થાનિકની ટીમો તેમજ ડી.એમ.એફ. યોજનાના સ્ટાફ દ્વારા અને ત્યારબાદ જીલ્લા બહારથી ફાળવવામાં આવેલ વધુ ટીમો દ્વારા દૈનિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લઈ કરવામાં આવેલ પશુ સારવાર, રસીકરણ અને સર્વેક્ષણ કામગીરીને પરિણામે હાલ આ રોગ સમગ્ર જીલ્લાનાં તમામ વિસ્તારોમાં કાબુ હેઠળ છે અને હવે આ રોગને કારણે જીલ્લામાં પશુ મરણનાં પ્રમાણમાં વધારો થવાની શક્યતા નહિવત છે.
ટીમો દ્વારા કચ્છ જીલાનાં કુલ ૩૯૩૦૫ જેટલા અસરગ્રસ્ત પશુઓને સઘન સારવાર ઉપરાંત ૪.૩૦ લાખ જેટલા ગૌવંશમાં લમ્પી વિરોધી રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે. રસીકરણ એ આ રોગને નિયંત્રણ હેઠળ લાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હાલ રસીકરણ યોગ્ય મહત્તમ પશુઓમાં રસીકરણ થયાને ૧૫ થી ૨૦ દિવસ જેટલો સમય થઇ ગયેલ હોઇ હાલની પરિસ્થિતીએ હવે પશુઓમાં નવા કેસ થવાનું કે તેમનામાં ગંભીર પ્રકારે રોગ થવાનું જોખમ રહેલ નથી. આઇસોલેશન વોર્ડમાં રહેલા મોટા ભાગનાં પશુઓ લમ્પી રોગમાંથી રિકવર થયેલ છે. ફક્ત કો-મોર્બિડિટી ધરાવતા કેટલાક પશુઓને વિશેષ સારવાર આપવાની જરૂરિયાત રહે છે.
ચોમાસુ ઋતુમાં ખાસ કરીને ઘેટા-બકરામાં સતત ભીનાશને કારણે કે કાંકરી કે કાંટા વાગવાને લીધે ખરી પાકવાનું થાય તો તેમને થોડો સમય કોરી જગ્યાએ રાખી એન્ટીસેપ્ટીક દવાઓનું ડ્રેસીંગ કરવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે. તે ઉપરાંત ખરીની અંદર સુધી સડો થયાનું જણાય તો વધારે રાહ ન જોતાં પશુ દવાખાના ખાતે પશુ ચિકિત્સકને બતાવી તેમની સલાહ મુજબ સારવાર કરવી જોઇએ.
જીલ્લાનાં તમામ પશુપાલકોને પોતાના પશુની સારવાર, રસીકરણ કે અન્ય બાબતે માર્ગદર્શનની જરૂર જણાયે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ અથવા તાલુકાના પશુ દવાખાનાનો સંપર્ક કરવા વિનંતી છે એમ નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. હરેશભાઈ ઠક્કર , જિલ્લા પંચાયત, ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.
