રાસ ગરબા જોવા ગયેલા યુવકને જાતિગમ અપમાનિત કરી ચાર જણાએ તલવારના ઘા ઝીંક્યા


ગાંધીધામના હાઉસિંગ બોર્ડ ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં રાસ ગરબા જોવા ગયેલા યુવાનને રાસ ગરબામાં કેમ આવ્યો કહી જાતિ અપમાનિત કરી લોખંડનો પાઇપ ફટકાર્યા બાદ અન્ય યુવાનને ચાર જણાએ તલવાર ઝિંકી હત્યાનો પ્રયાસ કરાયો હોવાની શરમજનક ઘટના બી-ડિવિઝન પોલીસના ચોપડે નોંધાઇ છે.
હાઉસિંગ બોર્ડ ઝૂંપડપટ્ટીમાં ચીરઇ સોલ્ટ પાછળ વોર્ડ-૧૩માં રહેતા ૨૦ વર્ષીય મહેશભાઇ ફકીરાભાઇ સોલંકી શુક્રવારે રાત્રે શંકર ભગવાનના મંદિર પાસે આવેલા ચોકમાં ગણેશ મહોત્સવ નિમિત્તે યોજાયેલા રાસ ગરબાનો કાર્યક્રમ જોવા જઇ રહ્યા હતાં. તેઓ દિલિપસિંહ ઝાલા વકીલના ઘર પાસે પહોંચ્યા ત્યારે મંદિર પાસે ઝઘડો થતો હતો. તેમની બાજુમાં રહેતા દિલિપ ભચુભાઇ પરમાર માથામાં લોહી નિકળતી હાલતમાં આ લોકો મને મારવા આવી રહ્યાં એવું કહી ભાગ્યા હતા. તે સમયે જ પ્રયાદિપસિંહ ઝાલા, લાલા ઝાલા, જયદિપ રાજુ ઝાલા અને પ્રયાદિપસિંહ ઝાલાના માતા તે બધા તેમની પાસે આવીને કંઇ પણ કહ્યાં વગર માર મારવાનું શરૂ કર્યું હતું.
તે વખતે પ્રયાદિપસિંહ ઘરમાંથી તલવાર લઇને ઘા મારતાં કાંડામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ તકરાર સમયે ટોળું એકઠું થયું હતું અને થોડીવારમાં તેમના પિતા, કાકા કાંતિભાઇ, કાકી શાંતિબેન, મોટાભાઇ ગણપતભાઇ અને માસિયાઇ ભાઇ હસમુખ હરીભાઇ મકવાણા ત્યાં આવી ગયા હતા. ઇજાગ્રસ્ત મહેશભાઇને પ્રથમ રામબાગ હોસ્પિટલ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે ચાર ઇસમો વિરૂધ્ધ હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.