ચિતલમાં લોખંડના સામાનની તસ્કરી કરનાર 4 ઈસમ પકડાયા


અમરેલી તાલુકાના ચિતલમા અલગ-અલગ ત્રણ દુકાનમાથી લોખંડનો રૂપિયા 80 હજારનો માલસામાન ચોરી જનાર ચોર ગેંગના ચાર સભ્યોને આજે એલસીબીએ પકડી પાડ્યા હતા.અમરેલી એલસીબીએ આજે સાવરકુંડલા બાયપાસ ચોકડી પર મફતપરામા રહેતા મગન હરજી પરમાર, નટુ ભુપત પરમાર, રંજન નટુ પરમાર અને ટોડા ગામની જસુબેન જયંતી ચારોલીયા એમ ચાર ચોરની ધરપકડ કરી હતી. અમરેલી તાલુકાના ચિતલમા આદેશ એન્જીનીયરીંગ નામની દુકાન બહાર મુકેલ રૂપિયા 18 હજારની કિમતના ત્રણ ડિફ્રેશન, મહાદેવ એન્જીનીયરીંગ નામની દુકાન બહારથી રૂપિયા 12 હજારની કિમતના બે ડિફ્રેશન અને સુનીલ હરી હરસોરાની દુકાન બહારથી 5 ડિફ્રેશનની ચોરી થતા તાલુકા પોલીસમા ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.
એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આઇ.જે.ગીડા, વાયરલેસ પીએસઆઇ જે.એમ.કડછા તથા કમાન્ડ કંટ્રોલરૂમના સ્ટાફે તપાસ કરતા સીસીટીવી ફોટોઝમાં એક રીક્ષા લોખંડનો આ સામાન લઇ જતા નજરે આવી હતી. જેને પગલે જીજે 16 એકસ 3471 નંબરની રીક્ષા તથા ચોરાઉ સામાન મળી 1.40 લાખનો મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પકડાએલ ચોર ગેંગ પૈકી મગન હરજી પરમાર રીઢો ગુનેગાર છે. આ ઈસમ ખુન, લુંટ, ચોરી સહિત 16 ગુનામા સંકડાયેલ છે. તે ગઢડા, ખાંભા, અમરેલી, સાવરકુંડલા, લાઠી, ચલાલા અને લીલીયા પંથકમા ગુનાઓ આચરે છે.