દ્વારકા પાસે કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી, 6 ઇજાગ્રસ્ત 

copy image

દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના માર્ગ પર આજે સવારે 10:00 કલાકે એક કારના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદર બેઠેલા યાત્રીકોને ઇજા પહોચતા તેમને સારવાર અર્થે 108 મારફતે દ્વારકાની સિવિલ હોસ્પિટલ મધ્યે લઈ જવાયા હતા.

દ્વારકાથી અંદાજે 15 કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગના માર્ગ પર એક હોન્ડા એક્સેસ કારના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. આ કાર અંદર બેઠેલા બે યુવાનો, બે મહિલાઓ અને બે બાળકો ઘવાયા હતા. આસપાસ ખેતરોમાં કામ કરતા લોકોએ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને મહામુસીબતે કારના દરવાજા ખોલી અંદર બેઠેલા યાત્રીકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો.

નાગેશ્વરના 108 એમ્બ્યુલન્સના પાયલોટ રોહીત કામરીયા તથા ઇએમટી મહેશ ભાલીયા તાત્કાલિક પળે બનાવ સ્થળે પહોંચી અને કાર અંદર બેઠેલા યાત્રિકોને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર અર્થે દ્વારકાની સિવિલ હોસ્પિટલ મધ્યે લઈ જવામાં આવ્યા હતા.