મોટા ભાડિયા, કોડાયમાંથી ચોરાઉ ડ્રીપ લાઇનના 51 નંગ વિંટલા સાથે બે ઇસમો ઝડપાયા

માંડવી તાલુકાના બિદડા ફરાદી રોડ પર 10 દિવસ પૂર્વે ત્રણ વાડીમાંથી પાણીની ડ્રીપ લાઇનના વિંટલાઓની ચોરી કરી જનારા મોટા ભાડિયા અને કોડાયના તસ્કરોને માંડવી પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી લીધો. આરોપીઓના કબજામાંથી 92 હજારનો ચોરાઉ માલ તેમજ 50 હજારના છકડા સહિત 1 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ ચલાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે ગુરૂવારે પેટ્રોલીંગ દરમિયાન મોટા ભાડિયા પાસેથી છકડામાં ડ્રીપ લાઇના વિંટલા લઇને જતાં ચાલક દાજીભા પથુભા જાડેજા (ઉ.વ.49)ને રોકી ડ્રીપ લાઇનના વિંટલા અંગેના આધાર પુરાવાઓ માંગતાં તેની પાસે ન હોવાનું અને કોડાયપુલ રામનગર ખાતે રહેતા વીરજી ગોપાલ ડાભી (ઉ.વ.31) પાસેથી લઇ આવ્યા હોવાનું પોલીસને જણાવતાં માંડવી પોલીસે કોડાયપુલ રામનગરમાં રહેતા વીરજીના ઘરે દરોડો પાડતાં ઘર પાસે આવેલા વરંડામાંથી વધુ ડ્રીપ લાઇનના વિંટલા કબજે કર્યા હતા.

જેના પણ આધાર પુરાવાઓ ન હોવાથી બન્ને ઇસમોની અટકાયત કરીને તેમની પાસેથી રૂપિયા 92 હજારની કિંમતના 51 નંગ ડ્રીપ લાઇનના વિંટલા અને રૂપિયા 50 હજારની કિંમતનો છકડો મળી કુલ રૂપિયા 1 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે લઇ વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.