નડિયાદમાં કોંગ્રેસે કરાવી દુકાનો બંધ, પોલીસે ફરી દુકાનો ખોલાવી દીધી


મોઘવારી અને ગુજરાતમા ડ્રગ્સના મુદ્દે આ બંધનુ એલાન શહેર કોંગ્રેસ દ્વારા અપવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં શહેર કોંગ્રેસ દ્વારા નગરજનોને સવારે 4 કલાક વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જોકે, શહેર કોંગ્રેસના લોકો આજે બંધ કરાવવા નીકળ્યા તો ટાઉન પોલીસે વેપારીઓને દુકાન ખોલાવી હતી અને બંધ કરવવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરાઈ હતી.
ખેડા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ સતત છેલ્લા કેટલાય સમયથી અસહ્ય મોંઘવારી બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવે છે. મોંઘવારી સામેની આ લડાઈ આગળ વધારવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોએ મોંઘવારી પર હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને નડિયાદમાં પણ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8થી બપોરના 12 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક બજાર બંધનુ એલાન અપાયું હતું.
આજે સવારે આ બંધના એલાનની ફજેતી થઈ હતી. શહેરના સંતરામ રોડ સહિતના વિસ્તારોના બજારો ખુલ્યા હતા. આથી સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસી કાર્યકરો દ્વારા બે હાથ જોડી ગાંધીગીરી કરીને લોકોને વિનંતી કરાઈ હતી. એટલામા પોલીસ આવી જતાં પોલીસે તમામ બંધ કરાવેલી દુકાનો ખુલ્લી કરવી હતી. જેથી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી કાર્યકરોએ “ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ” ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. અને બાદમા પોલીસે કોગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટક કરી હતી.
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું છે કે, અમે બે દિવસ પહેલા શહેરના નગરજોને આ અંગે બંધ રાખવા અપીલ કરી હતી. જેનો આજે અમને સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ અમે જ્યારે બંધ કરાવતા હતા ત્યારે ભાજપ સરકારના ઇશારે ચાલતી પોલીસે અમારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો અને જે દુકાનો બંધ કરાવી હતી તેને ખોલાવી દેવડાવામાં આવી. આમ છતાં પણ અમને સાથ સહકાર મળ્યો જેથી અમે નગરજનોના આભારી.