ભાવનગરમાં હીરાની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતો ઈસમ 18 લાખ રૂપિયા લઈ ગાયબ


ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલા આદિત્ય કોમ્પલેક્ષની ઓફિસમાં કામ કરતો મેનેજર 18 લાખથી વધુ રોકડા રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા ખળભળાટ મચી ગયો હતો.
નિલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર શહેરના વિજયરાજનગરમાં આવેલ આદિત્ય કોમ્પ્લેક્સમાં ઓફીસ ધરાવતા મનિષ ધામેલીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, અમારી ઓફિસ 24 કલાક ચાલુ રહે છે જેમાં 110 વ્યક્તિઓ કામ કરે છે. જેમાં વિવેક મનજીભાઈ દિયોરા રાત્રીના 8થી સવારના 8 સુધી નાઇટ શિફ્ટમાં મેનેજર તરીકે છેલ્લા 9 મહિનાથી નોકરી કરે છે.
સવારે મને મેનેજરે ફોન કરી જાણ કરેલી કે નાઈટ શિફ્ટમાં કામ કરતો મેનેજર વિવેક રાત્રીના સમયથી ચાલ્યો ગયેલ છે. તરત મે લોકર ચેક કરવાનું કહેતા લોકરમાં કહી નથી એવું જણાવ્યું હતું. આ લોકરમાં અમારી ઓફિસના 110 સ્ટાફનો પગાર કરવા રાખેલ રૂપિયા 18 લાખ 51 હજાર જેવી રકમ લઈ ગાયબ થઈ ગયો હતો. આ ઘટના વિશે પોલીસ ગુનો નોંધી મેનેજરને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.