આણંદના ધર્મજ પાસે ગંભીર અકસ્માત: વરસતા વરસાદમાં ચાર લક્ઝરી એક પછી એક અથડાઇ


આણંદના ધર્મજ પાસે ચાર લક્ઝરી એકબીજા સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાથી ભારે અરેરાટી મચી જવા પામી હતી. ચાર ખાનગી લકઝરી બસો એક બીજામાં અથડાઇ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પણ પાંચ મુસાફરોને ગંભીર રીતે ઘાયલ થયા હોવાની જાણકારી મળી આવેલ છે. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પેટલાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર સુરતથી નીકળી સૌરાષ્ટ્ર તરફ જતી લક્ઝરી બસ વહેલી પરોઢે બોરસદ ધર્મજ હાઇવે ઉપર જલારામ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી તે વેળાએ વરસાદનું જોર પણ ખૂબ હોવાથી તે સમયે અચાનક ધડકાભેર અકસ્માત થયો. એક પછી એક ચાર લક્ઝરી બસ એક બીજા સાથે ટકરાતાં બસમાં સવાર અને નિંદ્રાધીન મુસાફરોમાં અરેરાટી મચી ગઈ હતી અને ભય વ્યાપ્યો હતો. પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં તાત્કાલિક હાઇવે પર પહોંચી હતી તેમજ ટ્રાફિકની જે સમસ્યાને તેને દૂર કરી. આ દરમ્યાન પોલીસ જવાનો પણ બસમાં ફસાયેલ મુસાફરોની બચાવ કામગીરીમાં લાગ્યા હતા.
આ અકસ્માતની જાણ થતાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને નજીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6 મુસાફરોને ગંભીર તો અન્ય 15 થી વધુ મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી જેઓ હાલ સારવાર તળે છે. તો આ અકસ્માતમાં 100 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો જેઓને પોલીસ પ્રસાસન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ તેમના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવ્યા હતા. પેટલાદ રૂરલ પોલીસે આ બાબતે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.